Tuesday 10 November 2015

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધૂમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ
ઝૂરવા કે જીવવાના ક્યાં છે સવાલ !
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.


Monday 28 September 2015

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.
આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.
સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.
અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?
કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.
પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.

છેવટે કંટાળી મેં વાદળાંને કીધું
કે વરસ્યા વિનાના શું જાવ છો ?
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
પણ આપશ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો ?
મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં ર્યો’તો
છત્રી ઉઘાડવાનો વેંત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
ઈ તો અંદરથી ઉગાડે હેત
વરસી વરસીને અમે થાકી ગયા ને
તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?
મેં કીધું આ રીતે શું કામે નાખો છો
માણસની જાત માથે આળ ?
વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
એકાદી લીલીછમ ડાળ
મૂળનું તો સરનામું મળતું નથી
ને પાછા કૂંપળના ગીતો શું ગાવ છો ?
મેં કીધું આ રીતે તરસ્યે મારીને
તમે સારું તો કરતા નથી જ
વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
થોડીક ચડી ગઈ ખીજ
અબઘડીએ ધોધમાર વરસી પડું છું
બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં…
આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં…
વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા…
પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા…
આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા…

આ તે કેવું - કૃષ્ણ દવે
ઝરણાનું દે નામ અને ના આપે વહેવું! આ તે કેવું?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું! આ તે કેવું?
રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું? આ તે કેવું?
હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું? આ તે કેવું?
મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું! આ તે કેવું?


અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..
પવન તું, પાણી તું, ભૂધરા!
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એજ આશે..
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે..
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે..
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એજ પાસે,
ભણે નરસૈયો એ મન તણી શોધના,
પ્રીત કરૂં, પ્રેમથી પ્રગટ થાશે..


Monday 3 August 2015


I AM VERY HAPPY BY GETTING SUCH A WONDERFUL LIFE...............
THANK YOU GOD & MY PARENTS......................

Monday 13 July 2015






નથી રસ્તા સરળ કોઈ, કરે દિશાય છળ કોઈ ! સલામત ક્યાં છે જળ કોઈ ? ટીપે ટીપે વમળ કોઈ ! જડે ક્યાં એનું તળ કોઈ ? મળે માણસ અકળ કોઈ. નજર એ કેમ આવે પણ ? નજર આગળ પડળ કોઈ ! ઝીલો એકાદ પણ ‘સુધીર’, ગઝલની ખાસ પળ કોઈ. -સુધીર પટેલ