Friday 2 June 2017

                                   દફતર


મારા પર આક્ષેપ છે કે મે નાના ખભા પર ભારણરૂપ બનવાનું કામ કર્યું છે ! સાચી વાત તો એ છે કે મેં આખેઆખું બાળપણ સાચવીને રાખ્યું છે. પુસ્તકો સાચવવાની સાથે મેં સ્મૃતિઓ પણ સાચવી છે. સવાર પડે લગભગ હું આખું જ ઘર સાથે લઈ સ્કુલે જાઉ , કારણ કે એમાં મમ્મી નું વ્હાલ નાસ્તામાં સાથે જ હોય એટલે ઘર આખું જ કહેવાય. એ વ્હાલ પણ મારી જ અંદર રખાતું. Time table પ્રમાણે મારામાં માપસર ચોપડીઓ ગોઠવાય . ચોપડીઓ વચ્ચેના ઝઘડા પણ મારે જ ઉકેલવાના , એ તો વળી પાછી duty માં આવે નહીં , તો પણ ઝઘડા પસંદ ન પડે એટલે હસ્તક્ષેપ કરી જ લઉ ! કંપાસ ની સૌથી વધુ ખટપટ રહે. એટલો તો ચંચળ આ કંપાસ અને એના ઘરમાં રહેતા સાધનો , કે જેવું ચાલવાનું શરૂ કરો એટલે ભાઈ કારણ વગર અવાજ કરવા માંડે. આ બધાને સાચવવાનું કામ શું સહેલું લાગે છે ?

દર વર્ષે નવા પુસ્તક પર પૂંઠા ચડાવી કાર્ટુનના સ્ટીકર પર નામ લખી મૂકી દેવામાં આવે,પણ મારામાં કોઈ નવો ફેર નઈ. હા , ક્યારેક ઇતિહાસમાંથી અકબર બહાર નીકળી એના શાહી બગીચામાં લટાર મારતા હોય એવો આંટો મારે ખરા ! અંદર કદાચ મૂંઝારો થતો હશે ... તો કયારેક પાયથાગોરસ maths માંથી લગભગ દોડીને જ બહાર આવતા હોય. ગુજરાતી પુસ્તકમાંથી એકાદ કવિતા એવી સંભળાય કે મન ખુશ થઈ જાય. વિજ્ઞાનનાં પુસ્તકમાંથી ગેલેલિયો, આર્કિમીડિઝ, ન્યુટન વગેરે કંઈક ચર્ચા કરતાં જ રહેતા હોય છે , પણ આ બધાંમાં નાના હાથે દોરાયેલી drawing book મને વિશેષ પ્રિય છે.કલ્પનાની પાંખ વાપરી આંખોમાં વિસ્મય આંજી દોરાયેલી પ્રત્યેક ચિત્ર કૃતિ મને ગમતી . જે બુકમાં very good મળ્યું હોય તેને આગળ રાખવાનો લગભગ રિવાજ હતો.બુકના કાગળની વચ્ચે હું હળવેકથી લાગણીઓ પણ સાચવીને રાખી મુકવાની ટેવ રાખું છું કારણ કે મારામાં ભવિષ્યના શમણાંઓ ભરીને લઈ જવાય છે.

આટલો કોલાહલ ભર્યો માહોલ હોય છે મારી અંદર , છતાં એક ધબકતું વિશ્વ પણ છે મારી અંદર ! આકરો સમય વેકેશનમાં શરૂ થાય. અચાનક બધું શાંત થાય. મને ખાલીપો વળગી પડે.મારામાંથી કંઈક અલગ થઈ ગયાની લાગણી અજંપા સુધી દોરી જાય. નવા વર્ષે હું મારું અસ્તિત્વ ટકાવીશ કે કેમ એનો પણ સવાલ હોય ! મારું સ્થાન કદાચ મારાથી વધુ સારું દેખાતું દફતર પણ લઈ શકે. છતાં મારા હોવાપણાં માં ખાસ ફરક પડે નહીં ! ખેર , હું મારી મસ્તીમાં મસ્ત રહેવામાં માનું છું. રાહ જોવ છું વેકેશન પૂરું થાય તો કોઈ માળીયા માંથી નીચે ઉતારે . અહીં બધું બહું ભેંકાર લાગે છે !!!

:અવની બધેકા

No comments:

Post a Comment